મોરબી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત કામગીરીમાં ઝડપાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કવોડને ખાનગી બાતમી મળી હતી કે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(ઇ) અને 81 હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપી હરેશકુમાર રવજીભાઈ ઝાપડીયા (રહે. શિવધારા સોસાયટી, કુવાડવા, રાજકોટ, મૂળ વતન નાળીયેરી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર) હાલ કુવાડવા ચોકડી પાસે આવેલી માધવ હોટલ નજીક હાજર છે.
આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી મોરબી એલસીબી કચેરી લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી પકડાવાનો બાકી હોવાનું અને નાસતો ફરતો હોવાનું કબૂલ્યું હતું.
ત્યારબાદ પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.