પ્રાથમિક શાળા, આંગણવાડી અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત; ગ્રામજનો સાથે સંવાદ કરી સુવિધાઓ અંગે મેળવ્યો પ્રતિસાદ
મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના કાલિકાનગર ગામે સામાન્ય દફતર તપાસણી હાથ ધરી હતી. મુલાકાત દરમિયાન તેમણે ગામમાં ચાલી રહેલી સરકારી સેવાઓ, વિકાસકાર્યો અને જનસુવિધાઓની રૂબરૂ સમીક્ષા કરી હતી.
કલેક્ટરે સૌપ્રથમ ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ, શિક્ષણ વ્યવસ્થા, પોષણયુક્ત ભોજનની ગુણવત્તા તેમજ આંગણવાડીની કામગીરી અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ત્યારબાદ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ગામની સરકારી ખરાબા જમીન, ગૌચરની જમીન તેમજ નીમ થયેલ ગામતળની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જમીન સંબંધિત બાબતો અંગે જરૂરી વિગતો મેળવી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી ગામના વિકાસકાર્યો, પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નો અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. ગ્રામજનોએ વિવિધ રજૂઆતો કરતાં કલેક્ટરે પ્રશ્નોના યોગ્ય અને સમયસર નિરાકરણ માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
આ દફતર તપાસણીનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓનો અસરકારક અમલ, જનસુવિધાઓની ગુણવત્તા અને ગામના સર્વાંગી વિકાસની સ્થિતિની સ્થળ પર જઈ સમીક્ષા કરવાનો હતો.