‘તારો કાકો દારૂ પીવાની ટેવ ધરાવે છે’ કહેતા યુવક પર પટ્ટા વડે હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી શહેરમા મિત્રતાની ભાવના રાખીને આપેલી એક સલાહ યુવકને ભારે પડી ગઈ છે. મિત્રની દીકરીની સગાઈ તૂટે નહીં તેવા હેતુથી વરરાજાના કાકા વિશે સાચી હકીકત જણાવેલ હોય જેનો આરોપીએ ખાર રાખીને યુવકને રસ્તા વચ્ચે આંતરી, પટ્ટા વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટ મેરી સ્કૂલની પાછળ રહેતા અને પ્લમ્બીંગકામની મજુરી કરતા અપુલભાઈ દિનેશભાઇ કાઠીયા (ઉ.વ.૨૮) એ આરોપી અમિત જયંતિલાલ વાઘેલા રહે. દરબારગઢ પાસે મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ તેના મિત્ર સંજયભાઇ ધોળકીયાની દિકરીની સગાઇ આરોપી અમિત વાઘેલાના ભત્રિજા સાથે કરાવેલ હોય અને ફરીયાદીએ તેના મિત્ર સંજયને અમિત દારૂ પીવાની ટેવ વાળો છે તેવી વાત કરેલ હોય અને ફરીયાદીના મિત્ર સંજયે આ વાત અમીતને કરતા આરોપીને સારૂ નહિ લાગતા જેનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે પટ્ટા વડે આડેધડ માર મારી મુઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.