મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક, સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે “વિઝીબલ ક્લિનનેસ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા દ્વારા શહેરના તમામ વોર્ડોમાં સ્વચ્છતા અંગે હકારાત્મક સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સ્પર્ધાના ભાગરૂપે આજે વોર્ડ નં. 9 અને વોર્ડ નં. 11ની મુલાકાત લેવામાં આવી હતી.મેયર અને મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દરમિયાન સફાઈ વ્યવસ્થા, કચરાના યોગ્ય નિકાલ, જાહેર સ્થળોની સ્વચ્છતા અને એકંદર વિઝીબલ ક્લિનનેસના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડોમાં ફરજ બજાવતા SSI અને સફાઈ ટીમોને ઉત્તમ કામગીરી માટે પ્રોત્સાહિત કરવા દરેક વોર્ડને કામગીરીના આધારે રેન્કિંગ આપવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરી કરનાર વોર્ડોને સન્માનિત કરવામાં આવશે, જેથી તમામ વોર્ડોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવના વધુ મજબૂત બને.
મોરબી મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ કચરાનું યોગ્ય વિભાજન કરે, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવે અને શહેરને સ્વચ્છ તથા સુંદર રાખવાના અભિયાનમાં સક્રિય સહભાગી બને.