Homeગુજરાતમોરબીજૂન કોરો ગયો, જુલાઈની શરૂઆત છતાં વરસાદ ગાયબ; મોરબીના ખેડૂતોમાં ચિંતાનો માહોલ

જૂન કોરો ગયો, જુલાઈની શરૂઆત છતાં વરસાદ ગાયબ; મોરબીના ખેડૂતોમાં ચિંતાનો માહોલ

આગોતરું વાવેતર સુકાવાની કગારે, લાખો રૂપિયાના નુકસાનની ભીતિ; મેઘરાજાની રાહમાં સમગ્ર જિલ્લો

મોરબી જિલ્લાના ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬ની ચોમાસાની શરૂઆત ભારે ચિંતાજનક બની છે. એક તરફ જેતપર ગામના ખેડૂતો વીજ કંપની સામે પોતાના હક્કની લડાઈ લડી રહ્યા છે, તો બીજી તરફ મેઘરાજાએ પણ સમયસર મહેર ન કરતાં ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે. વરસાદની સતત રાહ જોતા ખેડૂતો હવે આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.

સામાન્ય રીતે જૂન મહિનામાં સારો વરસાદ થતાં જિલ્લામાં મોટા પ્રમાણમાં વાવણી પૂર્ણ થઈ જતી હોય છે, જ્યારે કેટલાક ખેડૂતો આગોતરું વાવેતર પણ કરી દેતા હોય છે. પરંતુ આ વર્ષે જૂન મહિનો પૂર્ણ થઈ જવા અને જુલાઈ મહિનાની શરૂઆત થઈ હોવા છતાં મોરબી જિલ્લામાં વરસાદ પડ્યો નથી.વરસાદના અભાવે ખેતીનું ચિત્ર ચિંતાજનક બન્યું છે.

ઘણા ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ સાથે કરાયેલ આગોતરું વાવેતર હવે પાણીના અભાવે સુકાઈ રહ્યું છે. બીજી તરફ કોરા ખેતરમાં કરાયેલ વાવેતર પણ વરસાદ ખેંચાતા નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોને હજારો નહીં પરંતુ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

ખેડૂતોનું કહેવું છે કે ખેતી માટેનો તમામ ખર્ચ પહેલેથી જ વધી ગયો છે. બિયારણ, ખાતર અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યા બાદ પણ વરસાદ ન પડતાં ચિંતામાં વધારો થયો છે.

હવામાનમાં આવેલા ફેરફારો અને ચોમાસાની ધીમી ગતિને કારણે ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.હાલ સમગ્ર મોરબી જિલ્લાનો ખેડૂત વર્ગ મેઘરાજાની કૃપાની રાહ જોઈ રહ્યો છે. સમયસર સારો વરસાદ વરસે તો જ પાકને નવજીવન મળી શકે, નહીં તો ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular