રાજકોટ રેન્જ આઇ.પી.એસ. અધિકારી નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ પોલીસે સુરેન્દ્રનગર વિસ્તારમાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પેટ્રોલીંગ દરમિયાન ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે રાજકોટ રેન્જ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે હરિયાણા પાસિંગના શંકાસ્પદ ટ્રકને રોકીને જ્યારે તલાશી લેવામાં આવી, ત્યારે ઉપરથી સામાન્ય દેખાતા કારપેટ (જાજમ)ના રોલની આડમાં છુપાવીને રાખેલો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી કુલ ૯,૭૯૨ નંગ ઇંગ્લીશ દારૂની બોટલો અને બીયરના ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત રૂ. ૧૩,૩૪,૭૨૪/- થાય છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને કારપેટના રોલ મળીને કુલ રૂ. ૨૮,૧૪,૯૯૪/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઘટનાસ્થળેથી ટ્રકના ડ્રાઇવર સંદિપકુમાર વિનોદકુમાર શાહુ અને ક્લીનર રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલ (બંને રહે. રાજસ્થાન) ની ધોરણસર અટકાયત કરવામાં આવી છે.
આ સફળ કામગીરી રેન્જ પો.સ.ઈ સી.એમ.કાંટેલીયા, પી.એન.મોરી, બી.સી.મીયાત્રા અને તેમની ટીમના ધર્મેન્દ્રસિહ, રાજદિપસિહ, ફતેસંગ, કાસમભાઇ તેમજ ડ્રાઇવર ધર્મેન્દ્રસિહ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી કરવામાં આવી હતી. પકડાયેલા બંને આરોપીઓ ઉપરાંત હરિયાણાથી ટ્રક સોંપનાર મહેશ, દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર અને ટ્રક માલિક સહિત તપાસમાં ખુલે તે તમામ શખ્સો વિરૂદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.