મોરબી: મોરબીના ત્રાજપર ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં પ્રેમસંબંધની અદાવતમાં એક યુવક પર હુમલો કરી, રિવોલ્વર જેવા હથિયાર વડે ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. આ ચકચારી ઘટના અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાતા જ પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન મોરબી એલ.સી.બી. અને સર્વેલન્સ ટીમને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ લઘધીરપુર રોડ પર આવેલા ભંગારના ડેલામાં છુપાયેલા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક લઘધીરપુર રોડ પર દરોડો પાડીને ગણતરીની કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા અને તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના સકંજામાં આવેલા આરોપીઓમાં નિરંજનભાઈ તિલકપ્રસાદ બિંદ, તથા હિમાંશુભાઈ નિરંજનભાઈ બિંદ બંને રહે. મોરબી-૨, પાવનપાર્ક સોસાયટી, મૂળ બિહાર, તથા ચંદનભાઈ મહેશભાઈ જમાદાર રહે. બેલા-રંગપર, મૂળ બિહાર અને મોહનભાઈ અનુજભાઈ બિંદ રહે. લઘધીરપુર રોડ, મૂળ બિહારવાળાનો સમાવેશ થાય છે. પ્રેમસંબંધની ખાર રાખીને આ શખ્સોએ હુમલો તથા ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.