મોરબીના વજેપર વિસ્તારમાં જૂની અદાવતનો આક્રોશ રાખીને એક યુવક અને તેના મિત્ર પર છરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મિત્રતા રાખવાની અદાવતમાં પાંચ જેટલા શખ્સોએ ભેગા મળીને યુવકને પીઠ તેમજ પગના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જ્યારે તેના મિત્રને લોખંડના પાઇપ વડે માથામાં ગંભીર ઇજા પહોંચાડી હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વજેપર શેરી નં.-૧૧ માં રહેતા રોહિતભાઈ જગદીશભાઈ બાંભણીયા (ઉ.વ.૧૯)એ આરોપી જગદીશ ઉર્ફે જગો સુરેશભાઈ થરેશા, દિપ ગણેશભાઈ રાવલ, તથા જીગ્નેશ ભિમાભાઈ રહે. ત્રણ વજેપર મોરબી તથા જયપાલ ઝાલા રહે. શીવ સોસાયટી મોરબી તથા સાહિલ મુન્નાભાઈ જાદવ રહે. કાલિકા પ્લોટ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મીત્રને આરોપી જગદીશ સાથે જુનો ઝગડો ચાલતો હોય જે બાબતેનો ખાર રાખી આરોપીઓએ જેમફાવે તેમ ગાળો બોલી આરોપી જગદીશ તથા દિપએ ફરીયાદીને વાસાના ભાગે તથા સાથળના ભાગે છરીના ઘા મારી તેમજ જયપાલએ લાકડાના ધોકા વડે પગમા ઘા મારી તેમજ આરોપી દિપએ સાથી વિશાલભાઇને માથામા લોખંડના પાઈપનો ઘા મારી તેમજ આરોપીઓએ ફરીયાદી તથા સાથીને ઢીકાપાટુનો માર મારી ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.