મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા મોરબી નેશનલ હાઈવે NH-27 બાયપાસ (ગાળા થી વઘાસીયા) પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં ભારે વિરોધનો માહોલ સર્જાયો છે. ભારત સરકારના રાજપત્રમાં પ્રસિદ્ધ થયેલ ગેઝેટ સામે ગામોના ખેડૂતોએ એકજૂટ થઈ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં સખત વાંધાઓ રજૂ કર્યા છે.
મોરબી તાલુકાના ગાળા, સાપર, જસમતગઢ, જીવાપર, ખરેડા, હરિપર, કેરાળા, વાંકડા, માંડલ, અંદારણા, રાતાભેર, ડુંગરપુર, શિવપુર સહિત કુલ 15 ગામોના ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત બાયપાસ માટે તેમની ખેતીલાયક અને ઉપજાઉ જમીનો મોટા પ્રમાણમાં સંપાદનમાં જતી હોવાથી તેમના અસ્તિત્વ પર જ સંકટ ઊભું થયું છે.
ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો છે. જો જમીનનો મોટો હિસ્સો બાયપાસ માટે કપાઈ જશે તો ખેતી માટે પૂરતી જમીન બચશે નહીં અને તેમના પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન છીનવાઈ જશે. અનેક પરિવારો માટે આ જમીન જ જીવનદોરી સમાન હોવાથી જમીન કપાતા તેઓ આર્થિક રીતે બરબાદ થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.
અસરગ્રસ્ત વિસ્તાર નર્મદા કમાન્ડ એરિયા હેઠળ આવતો હોવાથી અહીંની જમીન 100 ટકા પિયત અને અત્યંત ઉપજાઉ હોવાનું ખેડૂતોનું કહેવું છે. વર્ષોથી આ જમીન પર ખેતી કરીને પરિવારોનું ગુજરાન ચાલે છે. ખેડૂતોના મતે આવી ઉપજાઉ જમીન સંપાદિત કરવાના બદલે અન્ય વિકલ્પો શોધવા જોઈએ.
ખેડૂતોનું વધુમાં કહેવું છે કે પ્રસ્તાવિત બાયપાસનો વિસ્તાર ઈન્ડસ્ટ્રીયલ ઝોનની નજીક આવેલો હોવાથી જમીનની બજાર કિંમત પણ ખૂબ ઊંચી છે. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીન સંપાદિત કરવાથી ખેડૂતોને લાંબા ગાળે ભારે નુકસાન ભોગવવું પડશે.
આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા વૈકલ્પિક માર્ગનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ નજીકમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને પહોળો કરીને અથવા અન્ય યોગ્ય રૂટ પસંદ કરીને બાયપાસનું આયોજન કરવામાં આવે તો ખેડૂતોની કિંમતી ખેતીની જમીનો બચાવી શકાય.ખેડૂતોની માંગ છે કે સરકાર અને તંત્ર આ મુદ્દે પુનર્વિચાર કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લે અને બાયપાસના રૂટમાં જરૂરી ફેરફાર કરીને હજારો એકર ઉપજાઉ જમીનને બચાવે.