મોરબીના જેતપરના દેવળીયા રોડ પર આવેલી સીમમાં મોડી રાત્રે ઘાતક હથિયારો સાથે આવેલા અજાણ્યા શખ્સોએ આતંક મચાવી, ત્યાં પડેલા એક કિંમતી હીટાચી મશીનમાં તોડફોડ કરી તેને પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતુ. આ હુમલામાં મશીનના મોટાભાગના પાર્ટ્સ અને અંદર રાખેલા અસલ કાગળો બળીને ખાખ થઈ જતાં અંદાજે રૂ. ૧૪,૦૦,૦૦૦/- (૧૪ લાખ) નું ભારે નુકસાન થયું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના અવની રોડ પર રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મહેશભાઈ દામજીભાઈ પરેચા (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા પાંચ થી છ ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પાંચ થી છ અજાણ્યા ઇસમો ગેરકાદેસર મંડળી રચી મોડી રાત્રિના નંબર વગરની ઠાઠા વાળી બોલેરો કાર લઇ આવી ફરીયાદીના વોલ્વો બીએલસી-૨૧૦ મોડેલ હીટાચી મશીન પાસે આવી હીટાચી મશીનના ડ્રાઇવર સાથી સલામુદ્દીન જાનમહમદને ભુંડા બોલી ગાળો આપી ફરીયાદીના હીટાચી મશીનમાં લાકડાના ધોકા વતી નુકશાન પહોં ચાડી તેમજ હીટાચી મશીન પર પેટ્રોલ નાખી સળગાવી દઈ ફરીયાદીના હીટાચી મશીનમાં આશરે રૂ.૧૪,૦૦,૦૦૦/- નું નુકશાન પહોંચાડી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.