મોરબી તાલુકાની શ્રી માનસર પ્રાથમિક શાળામાં શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા એક પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષણપ્રેમી અને ભૂતપૂર્વ શિક્ષક સોરીયા પ્રવિણભાઈ, શાળાના ભૂતપૂર્વ આચાર્ય ધાનજા શૈલેષભાઈ, માનસર ગામના કાર્યશીલ સરપંચ ઠોરીયા જીતેન્દ્રભાઈ તેમજ સમગ્ર શાળા પરિવારના સહયોગથી કુલ 120 વિદ્યાર્થીઓને મફત ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આર્થિક રીતે નબળા તેમજ અન્ય તમામ વિદ્યાર્થીઓને સમાનતા અને પ્રોત્સાહનનો સંદેશ આપતા આ કાર્ય શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને શાળા પ્રત્યેનું આકર્ષણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગણવેશ વિતરણથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વિકાસ થશે તેમજ નિયમિત શાળામાં હાજરી માટે પણ પ્રેરણા મળશે.
આ કાર્ય ના દાતાઓએ શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ દરેક સમાજજનની જવાબદારી છે. માનસર પ્રાથમિક શાળામાં કરવામાં આવેલો આ પ્રયાસ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
શાળા પરિવાર દ્વારા આ ઉમદા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓનો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.