વળતર અને મંજૂરીના મુદ્દે ખેડૂતોમાં રોષ, કંપનીઓ કામ અટકાવવાના મૂડમાં નથી
ગુજરાતભરમાં ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ અને ટ્રાન્સમિશન લાઇનની કામગીરીને લઈને વિવાદ સતત ઊંડો બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપનીઓ દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી તેમજ જમીન માલિકોની સંમતિ વિના કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ વિરોધ અને રજૂઆતો છતાં અનેક વિસ્તારોમાં આજે પણ કામ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
મોરબી જિલ્લામાં પણ વિવિધ તાલુકાઓના ગામોમાં વીજ કંપનીઓની કામગીરી સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખાસ કરીને જેતપર ગામ આ મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીં છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન, ધરણાં અને સત્યાગ્રહ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ગઈકાલે યોજાયેલી ટ્રેક્ટર રેલીમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ પહોંચ્યા હતા.
પરંતુ ખેડૂતોના આંદોલન છતાં કંપનીઓ દ્વારા કામગીરી અટકાવવામાં આવી નથી. આ બધી વાતો વચ્ચે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના અનેક ગામોમાં પણ વીજ પોલ નાખવા માટેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. મોટા દહીસરા ગામના 69 ખેડૂતોને કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવા નોટિસ આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
જેતપરના ખેડૂતો દ્વારા અત્યાર સુધી અનેક પ્રકારના વિરોધ કાર્યક્રમો યોજાયા હોવા છતાં તેમની મુખ્ય માંગણીઓ અંગે કંપનીઓ કે પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટ ચર્ચા કે ઉકેલની દિશામાં આગળ વધવામાં આવ્યું નથી.
આ સંજોગોમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતો આગામી દિવસોમાં ગાંધીગીરી અને સત્યાગ્રહનો માર્ગ વધુ મજબૂત બનાવશે કે પછી કંપનીઓ સામે વધુ આક્રમક લડતનું એલાન કરશે. હાલ સમગ્ર પંથકની નજર ખેડૂતોના આગામી પગલાં પર મંડાયેલી છે.