રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા મિતાણા બ્રિજ પાસે અન્ય વાહન ચાલક સાથે ઝઘડો કરી રહેલા ફોરચ્યુનર કારના ચાલકને સમજાવવા જવું મોરબીના એક પ્રતિષ્ઠિત વેપારીને ભારે પડ્યું છે. ઉશ્કેરાયેલા ફોરચ્યુનર ચાલકે વેપારીને ઢીકાપાટુનો માર મારી, પોતાની કાર બેફામ ગતિએ રીવર્સમાં ચલાવી વેપારીની મોંઘીદાટ ઇલેક્ટ્રિક કારમાં ભટકાડી દઈ મોટું નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઘુંટુ ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ ગોલ્ડન એલીટા બહુચર માતાજીના મંદિર પાછળ રહેતા અને વેપાર કરતા દિપકભાઇ દેવજીભાઈ વિરપરીયા (ઉ.વ.૪૩) એ આરોપી ફોરચ્યુનર કાર રજીસ્ટર નંબર -GJ-36-AP-2728 ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી ફોરચ્યુનર કાર રજીસ્ટર નંબર GJ-36-AP-2728 ના ચાલકે મીતાણા બ્રિજ પાસે અન્ય વાહન વાળા સાથે ઝધડો કરતા હોય જેઓને ફરીયાદિએ સાઇડમાં રાખી બોલાચાલી કરી સમજાવા જતા આરોપીએ ઉશકેરાઇ ગયેલ અને ફરીયાદિને બેફામ ગાળો આપી બાદ આરોપીએ ફરીયાદિના મોઢાના ભાગે ઢીકાઓ મારી તેના હવાલા વાળી કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે રીવર્સમાં ચલાવી ફરીયાદિની મહીન્દ્રા કંપનીની બી.ઇ.સિક્સ ઇલેક્ટ્રીક કાર રજીસ્ટર નંબર-GJ-36-AR-2061 ના આગળના ભાગે ભટકાડી કારના આગળના બોનેટના ભાગે નુકસાન પહોચાડી માર મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.