માનસર: વિશ્વ પર્યાવરણ દિવસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે માનસર ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગના સહયોગથી 7,000 વૃક્ષોના વાવેતર અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. ગામને હરિયાળું અને પર્યાવરણને વધુ સ્વચ્છ બનાવવા માટે આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
આ પ્રસંગે સરપંચ જીતેન્દ્રભાઈ ઠોરીયા, જિલ્લા પંચાયત સભ્ય સતીશભાઈ મેરજા તથા તલાટી કમ મંત્રી મિહિરભાઈ ડાંગરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આગેવાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમજ ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ આગામી દિવસોમાં ગામના વિવિધ વિસ્તારોમાં હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. હરિયાળા અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણ માટે ગ્રામજનોને પણ આ અભિયાનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.