માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામના ખેડૂતોમાં નર્મદા કેનાલનું પાણી સમયસર ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની સિઝન નજીક હોવા છતાં ગામ સુધી પાણી ન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી 12 જૂન સુધી પાણી પહોંચાડવાની માંગ સાથે નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ નહીં આવે તો નર્મદા કેનાલ પર ભૂખ હડતાલ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
માળીયા-મીયાણા તાલુકા પંચાયતના સભ્ય કેતનભાઈ રમેશભાઈ વીડજાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે જૂના ઘાટીલા ગામ પાસેથી પસાર થતી માળિયા નર્મદા બ્રાન્ચ કેનાલનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચતું નથી. ઉપરવાસમાં કેનાલમાંથી બફ નળીઓ અને વોકડાઓ મારફતે પાણી છોડવામાં આવતા છેવાડાના વિસ્તારમાં આવેલા ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી.
ખેડૂતોના જણાવ્યા મુજબ આગોતરા વાવેતરની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સિંચાઈ માટે પાણી ન મળતા ખેતીકારોને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક આયોજન કરી ગામ સુધી નર્મદાનું પાણી પહોંચાડવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો 12 જૂન સુધીમાં જૂના ઘાટીલા ગામ સુધી પાણી પહોંચાડવામાં નહીં આવે તો ગામના ખેડૂતોને સાથે રાખી નર્મદા કેનાલ ઉપર ભૂખ હડતાલ શરૂ કરવામાં આવશે. હવે ખેડૂતોની આ ચીમકી બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.