મોરબી તાલુકાના ખરેડા ગામે ઘોડાધ્રોઇ ડેમના પટમાંથી માટી કાઢવાના કામની અદાવત રાખીને એક ઈસમ દ્વારા વૃદ્ધ પર લાકડીના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર વૃદ્ધ મોરબી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના ખરેડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ પાર્ક -2 મા રહેતા ખોડિદાસભાઈ અણદાભાઈ થડોદા (ઉ.વ.૬૩) એ આરોપી મહેશભાઈ માવજીભાઈ ડાભી રહે. ખરેડા ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ખરેડા ગામે ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવા માટેનો કોન્ટ્રાક્ટ મળેલ હોઇ જે કામકાજનું મનદુઃખ રાખી આરોપીએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વતી ડાબા હાથમાં મુંઢ ઇંજા છોલછાલ જેવી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.