મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે જૂની પીપળી ગામમાં આવેલા શિવપાર્ક-૨ વિસ્તારમાં બાપા સીતારામ મંદિર પાસે એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી બાતમીવાળી જગ્યાએથી વિદેશી દારૂની કુલ ૨૩ બોટલો કિંમત રૂપિયા ૧૦,૦૦૧ ના મુદામાલ સાથે આરોપી બિપીનભાઇ હિંમતલાલ મહેતા (ઉં.વ. ૫૫)ને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ દારૂનો જથ્થો મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા જયેશ ઉર્ફે અભો કનુભાઇ મકવાણા નામના શખ્સ પાસેથી વેચવા માટે લાવવામાં આવ્યો હતો. જે રેઇડ દરમિયાન જયેશ મકવાણા હાજર ન મળી આવતા પોલીસે તેને પકડવા તજવીજ શરૂ કરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.