મોરબી તાલુકાના પીપળી ગામે કૌટુંબિક ઝઘડાની એક ગંભીર ઘટના સામે આવી છે. ઘરનું લાઈટ બિલ ભરવા જેવી સામાન્ય બાબતે પુત્ર અને પુત્રવધૂએ પિતા સાથે ઝઘડો કરી, અન્ય એક શખ્સને બોલાવી પિતા પર હુમલો કરાવ્યો હતો. આ મામલે મકાનમાં તોડફોડ કરી જાતિ પ્રત્યે અપમાનિત કરાતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના સાપકડા ગામના વતની અને હાલ મોરબી તાલુકાના પિપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા શીવાભાઈ ગલાભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) એ આરોપી જીતેન્દ્રભાઈ શીવાભાઈ રાઠોડ, તથા લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ રહે. બંને પિપળી ગામે માનસધામ સોસાયટીમાં તા. મોરબી તથા મુકેશભાઈ ડાભી રહે. લગ્ધીરપુર ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીએ આરોપી જીતેન્દ્રભાઈ ને પોતાનું લાઇટ બિલ ભરવાનું જણાવતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદિના ઘરે જઈને લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાથીને માર મારી ઈજા કરી ફરીયાદિના મકાનમાં તોડફોડ કરી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનિત કરી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.