વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે ગ્રામ પંચાયતના પાણીના અવાડે પશુઓને પાણી પીવડાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ગામના જ છ શખ્સોએ એક પરિવારને લાકડીઓ સાથે ધસી આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે રહેતા અને ખેતી કરતા અબ્દુલભાઈ સાવદીભાઈ ખોરજીયા (ઉ.વ.૪૨) એ આરોપી સામતભાઈ ખેંગારભાઈ, પ્રવીણભાઇ સામતભાઇ, મહેશભાઇ સામતભાઇ, લાખાભાઈ ખેંગારભાઇ, જયપાલભાઇ લાખાભાઇ, મહિપાલભાઇ લાખાભાઇ રહે બધા-દીઘલીયા ગામ તા.વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોતાના ઘર પાસે બાજુમાં ગ્રામ પંચાયતનો અવાડો આવેલ હોય ત્યાં આરોપી સામંતભાઈ ઢોરને પાણી પાવવા આવતા અવાડામા પાણી ઓછું હોય જેથી આરોપી ફરીયાદીના ભાઈ રસુલના માતાને ગાળો બોલતો હોય તે ફરીયાદીના પણ માતા થતા હોય ત્યાં હાજર ફરીયાદીની પત્નીએ આરોપીને ગાળો બોલવાની ના પાડી અને રજુઆત હોય તે સરપંચના ઘરે જઈને કરવા કહેતા જે સારૂ ન લાગતા તેનો રોષ રાખી આરોપીઓએ લાકડી વડે ફરીયાદીના માતાને ગાળો આપી ફરિયાદીના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.