મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ શાખામાં અમુક કર્મચારીઓ અન્ય ગેરહાજર કર્મચારીઓની હાજરી પંચિંગ મશીનમાં પોતાની આંગળીઓ કે અંગૂઠા લગાવીને પૂરતા હતા. જેથી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ આઠ કર્મચારીઓ સામે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ અંબિકા ટાઉનશિપમાં રહેતા નોકરી કરતા દિપભાઈ સુરેશભાઈ ફળદુ (ઉ.વ.૨૭) એ આરોપી મંદીપ ચાવડા રહે. નાની વાવડી મોરબી, વિમલભાઈ બાવળીયા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી સામાકાંઠે મોરબી, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ રહે. રામકૃષ્ણનગર મોરબી, સુનિલભાઈ ભરતભાઈ મકવાણા રહે. મોરબી, રોહિતભાઈ ધિરૂભાઈ રહે. મોરબી, લલીતભાઈ ચાવડા, રહે. મોરબી, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડિ રહે. મોરબી, રાજેશભાઈ રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ મોરબી મહાનગર પાલીકાના વર્કશોપ વિભાગમાં રોજમદાર કર્મચારી તરીકેની તેની ફરજ દરમ્યાન અન્ય રોજમદા૨ કર્મચારીઓની જાણ બહાર એટેન્ડસ ઇલેક્ટ્રીક મશીનમાં તેઓની હાજરીના અંગુઠા આંગળીઓથી ખોટી હાજરી પૂરી કુલ-૧૩ રોજમદારના રૂ.૯૭૫૫/- ના પગારની વિશ્વાસઘાત કરી નાણાકીય ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.