વાંકાનેર શહેરમાં સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડાના બનાવો વધી રહ્યા છે, ત્યારે વાંકાનેર બસ સ્ટેશન પાસે સામુ જોવા જેવી નજીવી બાબતે થયેલી જૂની અદાવત રાખી એક શખ્સે રિક્ષા ચાલકના પુત્ર પર હુમલો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આરોગ્યનગરમા રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા લાલજીભાઈ બાબુભાઈ સારદીયા (ઉ.વ.૪૦) એ ત્યાં જ રહેતા આરોપી રફીકભાઈ ઉમરભાઈ સદવાણી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા મેરુને આરોપી સાથે સામુ જોવા બાબતે બોલાચાલી થયેલ હોય અને સમાધાનની વાતચીત ચાલુ હોય અને જે બાબતનો ખાર રાખી ફરીયાદીના દિકરા જતીન સાથે ઝપાઝપી કરી ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારી ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.