માનવતાને શર્મસાર કરતી એક ઘટના હળવદ તાલુકામાં પ્રકાશમાં આવી છે. જેમાં એક પિતાએ જ પોતાના માત્ર એક વર્ષના માસૂમ દીકરાને નિર્જન જગ્યાએ ત્યજી દઈ તેનું મૃત્યુ નીપજાવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હળવદ પોલીસે આ મામલે પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના પટમાં આવેલા સ્મશાન પાસેની ઝાડીઓમાંથી એક માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતના (એ.મોત) ગુના હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, હળવદ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
તપાસ દરમિયાન ફલિત થયું હતું કે, આરોપી પિતા ભયલુ ઉર્ફે રાજુ તેરસીંગ બામણીયા રહે. હાલ રાયસંગપર, મૂળ રહે. દાહોદવાળાએ પોતાના એક વર્ષના પુત્ર નવશિકને કોઈ અગમ્ય કારણોસર મોતને ઘાટ ઉતારવાના ઇરાદે નદીના પટમાં બાવળની ઝાડીઓમાં અરક્ષિત હાલતમાં ત્યજી દીધો હતો. ભૂખ-તરસ અથવા અન્ય પરિબળોને કારણે આ માસૂમ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
જેથી પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હળવદ પોલીસ મથકના PSIએ જાતે જ ફરિયાદી બની આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૫ અને ૯૩ (બાળકને ત્યજી દેવું અને સાપરાધ મનુષ્ય વધ) મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આરોપી પિતાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.