Homeગુજરાતમોરબીગેસ બાદ હવે વિજનો ઝટકો: મોરબીના સિરામિક ઉદ્યોગ પર PGVCLના મેન્ટેનન્સથી ફરી...

ગેસ બાદ હવે વિજનો ઝટકો: મોરબીના સિરામિક ઉદ્યોગ પર PGVCLના મેન્ટેનન્સથી ફરી સંકટ

વીજ કાપ થી ઉદ્યોગપતિઓ હેરાન !

મોરબી સિરામિક ઉદ્યોગ પર પડતા પર પાટું: બે મહિનાના ‘વેકેશન’ બાદ માંડ ફેક્ટરીઓ ધમધમી ત્યાં PGVCLનો વીજ કાપ ઝીંકાયો!

મોરબી : શહેર તથા આસપાસના વિસ્તારમાં સિરામિક ઉદ્યોગ ફરી ગતિ પકડવા લાગ્યો છે, પરંતુ આ સાથે જ વિજ પુરવઠા સંબંધિત સમસ્યાઓ ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બની છે. છેલ્લા બે મહિનાથી ગેસ સપ્લાયના અભાવે સંપૂર્ણપણે બંધ રહેલા સિરામિક એકમો હવે ફરી કાર્યરત થયા છે, પરંતુ આવા સંજોગોમાં PGVCL વિભાગ દ્વારા અચાનક મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે ગેસ સપ્લાય પર અસર પડતા મોરબીના સિરામિક ઉદ્યોગને લગભગ બે મહિના સુધી તાળું મારવું પડ્યું હતું. ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ થતા છેલ્લા ત્રણ દિવસથી એકમો ફરી શરૂ થયા છે. પરંતુ ઉદ્યોગ ગતિ પકડે તે પહેલા જ PGVCL દ્વારા વિવિધ ફીડરોમાં મેન્ટેનન્સના નામે વિજ કાપ મૂકાતા ઉદ્યોગકારોમાં અસંતોષ ફેલાયો છે.

જેમાં માટેલ, લાકડધર, સિધાવદર, ઢૂવા સહિતના વિસ્તારોમાં આવેલા ફીડરોમાં મેન્ટેનન્સ કામગીરી શરૂ કરાતા ઘણા કારખાનાઓને એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાની ફરજ પડી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, આખો દિવસ વિજ પુરવઠો બંધ રહે ત્યારે એક કારખાનાને ડીઝલ જનરેટર ચલાવવા માટે અંદાજે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું વધારાનું ખર્ચ સહન કરવું પડે છે. જો અનેક કારખાનાઓ સાથે આ સ્થિતિ સર્જાય તો કુલ નુકસાન લાખોમાં પહોંચે છે.

ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે જ્યારે બે મહિના સુધી સિરામિક એકમો બંધ હતા, ત્યારે PGVCL વિભાગે મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરવાની તક હોવા છતાં તે સમયે કોઈ પગલાં લેવાયા નહોતા. હવે જ્યારે ઉદ્યોગ ફરી શરૂ થયો છે અને બજારમાં પહેલાથી જ મંદીનો માહોલ છે, ત્યારે આવી કાર્યવાહી ઉદ્યોગને ફરી ઝટકો આપી રહી છે.

આ પરિસ્થિતિને લઈને કારખાનેદારોમાં રોષ ફેલાયો છે અને તેમણે PGVCL સામે માંગ ઉઠાવી છે કે હાલના સમયમાં વિજ પુરવઠો અવિરત રાખવામાં આવે અને મેન્ટેનન્સ કામગીરી માટે યોગ્ય સમયગાળો નક્કી કરવામાં આવે. ઉદ્યોગકારોનું માનવું છે કે ઉદ્યોગ ફરી સ્થિર થાય ત્યાં સુધી વિજ કાપ ટાળવો જરૂરી છે, જેથી તેમને વધુ આર્થિક નુકસાનનો સામનો ન કરવો પડે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને હજારો લોકોને રોજગાર આપે છે. આવી સ્થિતિમાં વિજ પુરવઠાની સમસ્યા ઉદ્યોગના વિકાસમાં અવરોધરૂપ બની શકે છે. હવે જોવાનું રહ્યું કે PGVCL વિભાગ ઉદ્યોગકારોની માંગ પર કેટલો ઝડપી પ્રતિસાદ આપે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular