ટંકારા તાલુકાના ગજડી ગામે જમીન ખેડવા જેવી સામાન્ય બાબતે ચાલી રહેલી જૂની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ભાઈએ બહેનને ખેતી કરવા માટે આપેલ જમીન પડોશીઓને ન ગમતા, એક પ્રૌઢ મહિલા પર ત્રણ શખ્સોએ હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે આંબલીપરામા રહેતા દેવદેબેન ભુરાભાઈ સવસેટા (ઉ.વ.૫૮) એ આરોપી કાનાભાઇ હીરાભાઇ જારીયા, શોભનાબેન કાનાભાઇ જારીયા તથા જયશ્રીબેન ભુપતભાઇ જારીયા રહે. ત્રણેય ગજડી તા.ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેમના ભાઇએ વાવવા માટે જમીન આપેલ હોય જે વાત આરોપીઓને ગમતી ન હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડી વડે માર મારી પગના ભાગે મુંઢ ઇજા કરી તથા આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી શરીરે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.