મોરબીના લીલાપર કેનાલ રોડ પર હાલમાં નવા રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ વિકાસ કાર્યમાં ગંભીર ખામી રહી જવાની ભીતિ સેવાઈ રહી છે. વિસ્તારના જાગૃત નાગરિક ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી રોડની સાથે વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન નાખવાની માંગ કરી છે.
રજુઆત જણાવ્યું હતું કે હાલમાં અત્યારે લીલાપર ગામ થી બોરીયા પાટી બજરંગ સર્કલ સુધી નવો રોડ બનાવવાનું કામ ચાલુ છે જેમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં નથી આવી રહી.
આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ઉપરવાસ માંથી ખુબ જ મોટા પ્રમાણમાં વરસાદી પાણી આવે છે જે અત્યાર સુધી કેનાલ મારફતે નિકાલ થઈ જતો હતો પરંતુ હવે જ્યારે નવો રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે આવનાર ચોમાસાની ઋતુમાં આ વરસાદી પાણીનો નિકાલ કેનાલ મારફતે થઈ શકશે નહી. અને હાલમાં જે નવો રોડ બનાવવાનો ચાલુ છે તેમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં નથી આવતી તો આવા સંજોગોમાં આ વિસ્તાર માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય એમ છે.
ત્યારે આ લીલાપર કેનાલ રોડ ઉપર વરસાદી પાણી ના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આ વિસ્તાર માં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય. તે માટે અમોએ તા. ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ લેખિત માં અરજી આપેલ છે પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ અરજીને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.