મોરબી તાલુકાના લીલાપરથી નવાગામ જવાના રસ્તે આવેલ પતરાવાળી દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળી હતી કે ઉદયભાઈ રામખેલાવન વર્મા મૂળ વતન ઉત્તરપ્રદેશવાળો લીલાપરથી નવાગામ જવાના રસ્તે આવેલ એડવાસેરા સેનેટરીવેર કારખાના સામે પોતાની કબજાની પતરાવાળી નાસ્તાની દુકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને ગુપ્ત રીતે વેચાણ કરતો હતો. મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન ઉદયભાઈ રામખેલાવન વર્મા પાસેથી 2 કિલો 606 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો, રોકડ રકમ, વજન ડાંટો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,16,800નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C), 20(B) અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.