Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? 

મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? 

મહાનગરપાલિકા ના નામે કેરબો ભરાવવા કોણ પહોંચ્યું? મનપાની સ્લીપ બુક, સ્ટેમ્પ અને શાખા અધ્યક્ષની સહીનો ઉપયોગ થયાની ચર્ચા

મોરબી મહાનગરપાલિકામાં એક પછી એક વિવાદો વચ્ચે હવે ડીઝલ ભરાવવાના મામલે સવાલો ઊભા થયા છે. મનપાને ડીઝલ પૂરું પાડતા પેટ્રોલ પંપ પર મોડી રાત્રે એક ઇસમ ડીઝલનો કેરબો લઈને પહોંચ્યો હોવાની ચર્ચા છે. મનપાની સ્લીપ બુક, સ્ટેમ્પ અને શાખા અધ્યક્ષની સહી સાથે ડીઝલ મેળવવાના આ મામલામાં પહોંચ નંબર 83 સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે. પેટ્રોલ પંપ સંચાલકને શંકા જતાં સંબંધિત વ્યક્તિને રોકી શાખા અધ્યક્ષને જાણ કરવા જણાવાયું હતું. ત્યારબાદ ગૂગલ પે મારફતે ચુકવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સીટી બસ વિભાગના નામે અને રોલર ના નામે ડીઝલનો વ્યવહાર થયાની ચર્ચા વચ્ચે સવાલ એ છે કે મોડી સાંજે કેરબો ભરાવવા પાછળ એવી તે કઈ ઇમરજન્સી હતી? ડીઝલ કોના માટે લેવામાં આવ્યું હતું? મનપાની પહોંચનો ઉપયોગ કોણે કર્યો અને પહોંચ નંબર 83 કોની મંજૂરીથી આપવામાં આવી? શાખા અધ્યક્ષની સહી કયા સંજોગોમાં કરવામાં આવી હતી?

જો ડીઝલ મહાનગરપાલિકાના અધિકૃત કામ માટે લેવામાં આવ્યું હતું, તો તેની મંજૂરી અને હિસાબની પ્રક્રિયા શું હતી? બીજી તરફ, મનપાની પહોંચનો ઉપયોગ કર્યા બાદ ગૂગલ પે મારફતે ચુકવણી કરવાની જરૂર શા માટે પડી, તે પણ તપાસનો વિષય બન્યો છે.

મોરબી મહાનગરપાલિકા અગાઉ પણ હાજરીમાં ગેરરીતિના આક્ષેપો અને બિલોમાં છેડછાડના વિવાદોને લઈને ચર્ચામાં રહી છે. હવે ડીઝલના આ મામલે તંત્રની આંતરિક દેખરેખ અને દસ્તાવેજોના ઉપયોગ અંગે ફરી સવાલો ઊભા થયા છે. મનપાના નામે થતા ઇંધણના વ્યવહારોની નોંધ કોણ રાખે છે અને તેની જવાબદારી કોની છે, તે સ્પષ્ટ થવું જરૂરી છે.

રાજ્યના મંત્રી અને મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સંકલન બેઠક પહેલાં જ આ મામલો ચર્ચામાં આવતાં હવે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે. મનપાની સ્લીપ બુકનો ઉપયોગ કોણે કર્યો, પહોંચ નંબર 83 પાછળની હકીકત શું છે અને સમગ્ર વ્યવહારમાં નિયમોનું પાલન થયું હતું કે નહીં, તે અંગે તપાસ થાય તો જ સત્ય બહાર આવી શકે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular