મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયત દ્વારા મચ્છુ નદીમાં ચાલી રહેલી ગેરકાયદેસર રેતી ચોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સરપંચ જિતેન્દ્ર પી. ઠોરીયા દ્વારા ખાણ ખનીજ વિભાગ, મોરબીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે માનસરથી વનાળીયા તેમજ માનસરથી નારણકા તરફ મચ્છુ નદીના પટમાં હિટાચી મશીનો દ્વારા મોટા પાયે સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. આ બેફામ ખનીજ ચોરીના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું છે.
આ ગેરકાયદે ખનનના કારણે વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના લીધે આસપાસના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ખારું થઈ રહ્યું છે અને ખેતીની જમીન બંજર બની જવાનો ભય ઊભો થયો છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના હિતને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતે માંગ કરી છે કે આ ખનીજ ચોરી તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે અને દોષિતો સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે.