મોરબીના રફાળેશ્વર ગામમાં એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) પોલીસે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે રાખવામાં આવેલ રૂ. ૬૭,૨૫૦/- ની કિંમતનો ૧ કિલો ૩૪૫ ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજાનો જથ્થો) ઝડપી પાડ્યો છે. આ રેડ દરમિયાન મુખ્ય આરોપી સ્થળ પરથી પકડાઈ ગયો હતો, જ્યારે તેને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર શખ્સ પોલીસ પકડથી દૂર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. પોલીસ ટીમને બાતમી મળી હતી કે રફાળેશ્વર ખાતે રહેતો દીપકભાઈ પોતાના ઘરમાં જ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો છુપાવીને ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પંચો તથા એફ.એસ.એલ. અધિકારીને સાથે રાખીને પોલીસે પૂર્વ આયોજિત ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન આરોપીના ઘરમાંથી ગાંજા ઉપરાંત વેચાણ કરવા માટેનો વજનકાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ, મોબાઈલ ફોન અને રોકડા રૂા. ૭૦૦/- મળી આવ્યા હતા, તેમજ કુલ કિંમત રૂપિયા ૭૩,૧૫૦ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પકડાયેલા આરોપી દીપકભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨-બી) અને ૨૯ મુજબ ગુનો નોંધીને કાયદેસરની અટકાયત કરી છે. તેમજ આ રેડમાં વોન્ટેડ જાહેર કરાયેલા ઇરફાન સંધીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.