Homeગુજરાતમોરબીવાંકાનેરના ખાનપર ગામમાં પ્રેમ પ્રકરણનો રક્તરંજિત અંજામ : યુવતીની પૂછપરછ કરવા ગયેલા...

વાંકાનેરના ખાનપર ગામમાં પ્રેમ પ્રકરણનો રક્તરંજિત અંજામ : યુવતીની પૂછપરછ કરવા ગયેલા પરિવાર પર હુમલો, દાદાની ઘાતકી હત્યા

વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં એક ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે, જેમાં ગામના જ એક યુવાન દ્વારા યુવતીને ભગાડી જવાના મામલે યુવતીના પરિવારજનોની પૂછપરછ કરવા જતા મામલો બિચક્યો હતો. જેમાં યુવાનના પરિવારે લાકડી અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરતા યુવતીના દાદાનું ગંભીર ઈજાઓ થવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેથી આ મામલે પોલીસે ૮ શખ્સો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ખાનપર ગામમાં રહેતા અને પાન-માવાની દુકાન ચલાવતા હેમુભાઈ સગરામભાઈ સરવૈયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીના મોટાભાઈ સુરેશભાઈની ૨૦ વર્ષીય દીકરી હેતલના લગ્ન સાતેક માસ પહેલા થાનના ખાખરાથર ગામે થયા હતા, પરંતુ ગામના જ એક યુવાન સાથે પ્રેમ પ્રકરણમાં બે મહિના પહેલા જ લગ્ન છૂટા થઈ ગયા હતા. જે બાદ ગઈકાલે સવારે હેતલ ઘરેથી આ જ ગામના કિશન દેવાભાઈ મકવાણા સાથે ભાગી ગઈ હોવાની આશંકાએ પરિવારે શોધખોળ શરૂ કરી હતી.

દિવસ દરમિયાન કિશનના ઘરે કોઈ ન મળતા, રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ફરિયાદી હેમુભાઈ, તેમના પિતા સગરામભાઈ, ભાઈઓ અને અન્ય કુટુંબીજનો કિશનના ઘરે હેતલ વિશે પૂછપરછ કરવા ગયા હતા. તે સમયે કિશનના ઘરે હાજર તેના પિતા દેવાભાઈ મકવાણા અને અન્ય સગા-સંબંધીઓને આ વાત સારી ન લાગતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. ગાળો ભાંડીને તેમણે લાકડીઓ અને ધોકાઓ સાથે સરવૈયા પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો..

આ હુમલામાં દેવાભાઈ મકવાણાએ લાકડીનો જોરદાર ઘા ફરિયાદીના પિતા સગરામભાઈ (હેતલના દાદા) ના માથાના પાછળના ભાગે ઝીંકી દેતા તેઓ ઢળી પડ્યા હતા. આ ઉપરાંત રાજુ છનાએ ફરિયાદીને માથામાં લાકડી મારી હતી અને તેમને છોડાવવા પડેલા અન્ય સગાઓ (રઘાભાઇ વગેરે) ને પણ માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત સગરામભાઈને તાત્કાલિક વાંકાનેર અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.

બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ૧. દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, ૨. કિરણભાઈ દેવાભાઈ મકવાણા, ૩. વિપુલભાઇ દેવાભાઇ મકવાણા, ૪. રાજુભાઈ છનાભાઈ મકવાણા, ૫. મનસુખભાઇ છનાભાઈ મકવાણા, ૬. ભરતભાઈ મનસુખભાઈ મકવાણા, ૭. વિરમભાઈ મનસુખભાઈ મકવાણા અને ૮. જેમાભાઈ સોમાભાઇ મકવાણા (રહે. બધા ખાનપર) વિરુદ્ધ બી.એન.એસ. (BNS) કલમ-૧૦૩(૧), ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩૫૨ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તમામની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular