મોરબી તાલુકામાં આવેલ રફાળીયા ગામ પાસેના જેટકો (GETCO) સબ સ્ટેશનમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકી મોટી ચોરીને અંજામ આપ્યો છે. સબ સ્ટેશનમાં રખાયેલ એલ્યુમિનિયમ પાવરના કેબલને ધારદાર હથિયારથી કાપીને તેમાંથી કિંમતી કોપર (તાંબા)નો વાયર ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ આ ઘટના અંગે એસન્ટ ઇલેક્ટ્રીફિકેશન એન્જિનિયર્સ કંપનીના એરિયા સુપરવાઇઝર નીરવભાઈ ભાણજીભાઈ કામળીયા દ્વારા મોરબી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ સબ સ્ટેશનના સ્ટાફ કર્મચારીઓ સુઈ ગયા બાદ તસ્કરો દીવાલ ટપીને સબ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા.
અંદાજે ૧૫૦૦ કિલો વજન ધરાવતા પાવર કેબલને કાપી તેમાંથી આશરે રૂ. ૭૮,૬૪૬/- ની કિંમતનો કોપર વાયર ચોરાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સવારે બનાવની જાણ થતાં જ અધિકારીઓએ સ્થળ તપાસ કરી મોરબી તાલુકા પોલીસ ચોપડે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.