જીવનના જૂના સંસ્મરણોને વાસ્તવિક જીવનમાં ઢાળવાથી જીવનમાં પુન: નવી ઉર્જાનો સંચાર થાય છે.આજ આશયથી તારીખ 4 ઓક્ટોબરને રવિવારના રોજ મોરબીની સ્ટેટ વખતની બંધાયેલ અને નામાંકિત પી.ટી.સી.કોલેજ એટલેકે હંટર ટ્રેનિંગ કોલેજના વર્ષ 1995/96 માં અભ્યાસ કરી ગયેલા સર્વે તાલીમાર્થીઓનું સ્નેહમિલન યોજાયું. આજથી 30 વર્ષ પહેલા આ કોલેજમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે અભ્યાસ કરી ગયેલા સર્વે તાલીમાર્થીઓ સ્નેહસભર વાતાવરણમાં તેમના જૂના મિત્રો,સહાધ્યાયીઓ,કોલેજ કાળના જૂના સંસ્મરણો,જૂના ગુરુજનોની પ્રેરણા અને પ્રોત્સાહન જેવી યાદગાર પળો સાથે મળ્યા.આ સ્નેહમિલનનું આયોજન અત્યારે પણ અડીખમ ઉભેલી એવી હંટર ટ્રેનિંગ કોલેજ ખાતેજ કરવામાં આવ્યું .બધા ફરીથી હંટર ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ માટે જોડાયા હોય તેવા વાતાવરણનું નિર્માણ થયું.
આ સ્નેહમિલનમાં સમગ્ર ગુજરાતમાંથી વર્ષ 1995/96 માં આ કોલેજમાં અભ્યાસ કરી ગયેલા તાલીમાર્થીઓ જોડાયા.30 વર્ષ બાદ જે સર્વે તાલીમાર્થીઓ હાલ પ્રાથમિક શિક્ષક તરીકે જુદી જુદી જગ્યાએ ફરજ બજાવે છે તે સર્વે સહાધ્યાયી મિત્રોએ પોતાના કોલેજકાળના સંસ્મરણોને તરોતાજા કર્યા.સ્નેહમિલનની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી.ત્યારબાદ આ 30 વર્ષના સમયગાળામાં જે મિત્રો અને ગુરુજનો સ્વર્ગસ્થ થયા છે તે સૌને બે મિનિટના મૌન સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી.
હંટર કોલેજમાં વાતો અને વિચારોની ગોષ્ઠી બાદ સર્વે મિત્રોએ મોરબીના ઐતિહાસિક સ્થળો અને સંભારણા એવા શંકર આશ્રમ,પાડાપુલ, મયુરબ્રિજ, મણિમંદિર, રેલવે સ્ટેશન, ગ્રીનચોક,નગર દરવાજો જેવા સ્થળોની મુલાકાત લીધેલ હતી અને પોતાના મોરબી સાથેના સંભારણા અને સંબંધોને હૃદયમાં પુન: સ્થાપિત કર્યા હતા.સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મિત્રો મોરબીનો વિકાસ જોઈને ગૌરવપૂર્ણ રીતે આનંદીત થયા હતા.ત્યારબાદ સ્વરૂચી સમૂહભોજન બાદ સર્વે તાલીમાર્થી મિત્રો મોરબીની અને મિત્રોની યાદોને સાથે લઈ પોતપોતાના વતન તરફ જવા રવાના થયા હતા.આ સ્નેહમિલન કાર્યક્રમ દૈદીપ્યમાન અને અદકેરો બની રહ્યોં. આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્ષ 1995/96 ની બેચના હંટર ટ્રેનિંગ કોલેજ મોરબીના સ્થાનિક તાલીમાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.