મોરબીના ભડીયાદ વિસ્તારમાં માત્ર સામું જોવા જેવી નજીવી બાબતે એક યુવક પર છરી વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલી હરીઓમ સોસાયટીમાં રહેતા અને છૂટક પ્લમ્બિંગનું કામ કરતા શૈલેષભાઈ કેશુભાઈ વાણીયા (ઉં.વ. ૩૪) દુકાનેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન માહી એપાર્ટમેન્ટ પાસે ઉભેલા મહિપત ઉર્ફે ભૂરાભાઈ રવજીભાઈ વાઘેલા સામે શૈલેષભાઈએ જોતા, ભૂરો અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને “સામું શું જુએ છે?” કહી ગાળો આપવા લાગ્યો હતો. શૈલેષભાઈએ કોઈ જવાબ ન આપતા, ભૂરાએ પોતાની પાસે રહેલી છરી વડે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
હુમલા દરમિયાન શૈલેષભાઈએ છરી પકડવાનો પ્રયાસ કરતા તેમના જમણા હાથની હથેળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. યુવકે બૂમાબૂમ કરતા તેના પિતા અને આસપાસના સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને તેને વધુ મારથી બચાવી ઘરે લઈ ગયા હતા. આ દરમીયાન આરોપી ભૂરો પોતાના અન્ય સાથીદારો સાથે યુવકના ઘર પાસે આવીને બૂમાબૂમ કરવા લાગ્યો હતો. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.