મોરબીના કુબેરનગરમાં ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે દરોડો પાડીને ઝડપી પાડ્યો છે. સીટી એ ડિવિઝન પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરીમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આરોપીઓ પાસે આ દારૂ રાખવા કે વેચવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાનું સામે આવ્યું છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રઘુવિરસિંહ ઉર્ફે દાદુભાઈ ભગવતસિંહ બારહટ નામના ઈસમની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો વરૂણદાન નવલદાન ગઢવી સાથે ભાગીદારીમાં વેચાણ કરવાના હેતુથી મકાનમાં રાખવામાં આવ્યો હતો. રેડ દરમિયાન વિભિન્ન બ્રાન્ડની કુલ ૩૪ બોટલો જપ્ત કરવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળેથી બ્લેન્ડર પ્રાઈડ, જેમસન, બ્લેક એન્ડ વ્હાઈટ, બ્લેક ડોગ, જોની વોકર બ્લેક લેબલ અને દૂઅર્સ જેવી બ્રાન્ડનો કુલ રૂ. ૧,૪૨,૭૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી હાજર મળી આવેલ આરોપીની અટકાયત કરી છે અને ફરાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.