અર્બન ડાયમોલ્ડ નજીક સબસ્ટેશન પાસે બનેલી ઘટનામાં ફાયર ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો
મોરબીના લાલપર ગામના પાછળના ભાગે આવેલા અર્બન ડાયમોલ્ડ નજીક આજે બપોરે ગેસ પાઇપલાઇનમાં લીકેજ થતાં આગ લાગવાની ઘટના બની હતી. આ અંગે બપોરે 13:09 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
અર્બન ડાયમોલ્ડ પાસે સબસ્ટેશનની બાજુમાંથી પસાર થતી ગેસ પાઇપલાઇનમાં લીકેજ થતાં ગેસે આગ પકડી હતી. ઘટનાની ગંભીરતા જોતા મોરબી ફાયર ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ સાથે ફાયર ટીમ દ્વારા ગેસ લાઇનનો મેન વાલ્વ બંધ કરવામાં આવતા ગેસનું લીકેજ પણ અટકાવવામાં આવ્યું હતું. આગની બાજુમાં જ સબસ્ટેશન આવેલું હોવાથી જો આગ વધુ પ્રસરે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. જોકે ફાયર ટીમની ત્વરિત કામગીરીના કારણે આગને સમયસર કાબૂમાં લઈ મોટી દુર્ઘટના ટળી હતી.