ટંકારાના નેકનામ ગામે વ્યાજખોરીની રાક્ષસી પ્રવૃત્તિનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ચાની હોટલ ચલાવતા આધેડે દીકરા-દીકરીના લગ્ન અને મકાન રિનોવેશન માટે લીધેલી રકમ સામે ૨૦% જેટલું અધધ વ્યાજ અને રૂ. ૨.૦૫કરોડ જેવી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં, વ્યાજખોરોએ વધુ રૂ. ૫૦ લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અસહ્ય ત્રાસથી કંટાળીને આધેડે ફિનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અને ચા ની હોટલ ચલાવતા લિંબાભાઈ માંડાભાઈ લામકા (ઉ.વ.૪૬) એ આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા તથા વિક્રમસિંહ રાજુભા ઝાલા રહે. બંને નેકનામ ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ તેમના દિકરા તથા દિકરીના લગ્ન તથા મકાનના રીનોવેશન કામ માટે આરોપી રાજેન્દ્રસિંહ પાસે થી રૂ. રૂ.૨૯,૭૦,૦૦૦/- ૨૦% ના વ્યાજે લીધેલ હોય જેના બદલામાં ફરીયાદીએ રૂ. ૨,૦૫,૦૦,૦૦૦/- ચુકવી દીધેલ હોવા છતા અરોપીઓએ રૂ.૫૦,૦૦,૦૦૦/- ની ફરીયાદી પાસેથી પઠાણી ઉઘરાણી કરી રકમ ન ભરી તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેના ત્રાસથી કંટાળી ફરીયાદીએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.