મોરબી : જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પરમ પૂજ્ય કનકેશ્વરી દેવી ચિલ્ડ્રન હોમ બોયઝ અને શિશુ ગૃહની મુલાકાત લઈ સંસ્થાની વિવિધ વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ અને ચકાસણી કરી હતી.
કલેક્ટરએ સંસ્થામાં આશ્રિત બાળકો સાથે સોહાર્દપૂર્ણ વાર્તાલાપ કરી તેમના રહેઠાણ, સલામતી અને દૈનિક પ્રવૃત્તિઓ અંગે વ્યક્તિગત પ્રતિભાવો મેળવ્યા હતા. બાળકોના નિયમિત મેડિકલ ચેકઅપ અને આરોગ્યલક્ષી ફાઈલોની પણ ચકાસણી કરવામાં આવી હતી.
સંસ્થામાં પ્રાથમિક સારવારની સુવિધા તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોના શાળાકીય અભ્યાસ, હાજરી અને શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરી, તેમને પૂરતું શૈક્ષણિક સાહિત્ય અને જરૂરી માર્ગદર્શન મળે છે કે નહીં તે અંગે સ્ટાફ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.
કલેક્ટરએ બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા અને મેનૂની પણ ચકાસણી કરી હતી. સંસ્થાના મકાન, રૂમોની સ્વચ્છતા, હવા-ઉજાસ, પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા તેમજ શૌચાલય અને સ્નાનાગાર જેવી ભૌતિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન સંસ્થાનું પ્રવેશ રજિસ્ટર, દૈનિક હાજરી પત્રક અને વાર્ષિક હિસાબી રજિસ્ટર પણ તપાસવામાં આવ્યા હતા. ઉપરાંત પોર્ટલ પર સંસ્થાના ડેટા તેમજ આશ્રિત બાળકોની વિગતો નિયમિતપણે અપડેટ થાય છે કે નહીં તેની પણ ખાતરી કરવામાં આવી હતી.