આ વણશોધાયેલા ગુનાઓની ગંભીરતા ધ્યાને લઈ મોરબી LCB પોલીસે તપાસ હાથ ધરી હતી. ગણતરીના સમયમાં LCBની ટીમે હળવદ પાસે વેગડવાવ રોડ પર આવેલા ડમ્પિંગ સ્ટેશન પાછળ અવાવરૂ જગ્યાએથી ચોરી કરનાર ૬ સભ્યો અને ચોરીનો માલ રાખનાર ૧ વેપારી સહિત કુલ ૭ આરોપીઓને દબોચી લીધા હતા.
પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં અજય જીવરાજભાઈ કુંઢીયા, ચેતનભાઈ પરબતભાઈ જાગરીયા, નારાણભાઈ ઉર્ફે હિતેશ વાલજીભાઈ રાઠોડ, રાહુલભાઈ અમરતભાઈ ઉધરેજીયા, પ્રવીણ ઉર્ફે દિનેશ મગનભાઈ ધામેચા, રાહુલ ઉર્ફે પૂચુ બાબુભાઈ ગોહિલ રહે. બધા હળવદ અને ચોરીનો માલ રાખનાર સુનિલભાઈ અજીતભાઈ હળવદીયા રહે. મોરબીવાળાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ૩૭ કિલોગ્રામ કોપર વાયર રૂ. ૪૮,૧૦૦, સફેદ કલરની ક્રેટા કાર રૂ ૫,૦૦,૦૦૦ અને અન્ય ચોરીઓમાંથી મેળવેલ ૬૦ કિલોગ્રામ કોપર વાયર રૂ. ૭૮,૦૦૦ મળી કુલ રૂ. ૬,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સફળ કામગીરી બાદ મોરબી પોલીસ દ્વારા ખેડૂતો માટે એક પ્રજાજોગ સંદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર, ખેતરો અને વાડીઓમાં ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ખુલ્લા રાખવાને બદલે અંડરગ્રાઉન્ડ અથવા એલ્યુમિનિયમ કેબલનો ઉપયોગ કરવા અને કોપર કેબલનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ છે. ઉપરાંત, વાડી વિસ્તારમાં રાત્રિના સમયે દેખરેખ રાખવા તેમજ શંકાસ્પદ વાહનો કે વ્યક્તિઓ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.