વાંકનેર તાલુકાના જાલસિકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ધીરૂભાઈ ડાંગર દ્વારા ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, બોગસ પ્રમાણપત્રો અને ખનિજ ચોરી અંગે કરાયેલી રજૂઆતોનું મનદુઃખ રાખી તેમના પુત્રો પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે.
વાંકનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, સરપંચના પુત્રો તેમના પિતાની શોધખોળ કરવા નીકળ્યા તે સમયે વસુંધરા ગામે દૂધ મંડળી પાસે આરોપીઓએ ઘેરી લઈને ઘાતક હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અંગે સરપંચના પુત્ર જીવનદીપ ધીરૂભાઈ ડાંગરે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પાંચ આરોપીઓ લાલાભાઈ સામંતભાઈ સરૈયા, વિરમ સામંતભાઈ સરૈયા, સુરેશ રેવા સરૈયા, ગોપાલ લાલા સરૈયા અને શૈલેષ રેવા સરૈયાના નામ સામે આવ્યા છે. આરોપીઓએ ગાળો આપી કુહાડી, લોખંડના પાઈપ અને લાકડી જેવા હથિયારો વડે જીવનદીપભાઈ અને તેમના ભાઈ એભલ પર તૂટી પડી માથામાં તથા શરીરે ગંભીર ઘા ઝીંક્યા હતા.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જીવનદીપભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર જેવી મરણતોલ ઈજાઓ પહોંચતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે વાંકનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.