સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ, રાજકોટ જિલ્લા દ્વારા સમાજની એકતા, પ્રગતિ અને સર્વાંગી વિકાસના હેતુથી 28મા ભવ્ય મહાઅધિવેશનનું આયોજન આવનારી 19 અને 20 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજકોટના જામનગર રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય ઐતિહાસિક અધિવેશનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ શહેરોમાંથી સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ, સંતો-મહંતો તેમજ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન સમાજના વર્તમાન પ્રશ્નો, સંગઠનાત્મક મજબૂતી અને નવી દિશાઓ અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
અધિવેશનના પ્રથમ દિવસે, શનિવાર 19 સપ્ટેમ્બરે સાંજે 4:00 વાગ્યાથી આમંત્રિત મહેમાનોના આગમન સાથે વિચારવિમર્શ સમિતિની બેઠક યોજાશે. સાંજે 7:00થી 9:00 વાગ્યા દરમિયાન બ્રહ્મભોજન બાદ રાત્રે 9:00થી 12:00 વાગ્યા સુધી ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરાયું છે, જેમાં વિશ્વવિખ્યાત કલાકાર સાગરભાઈ રાવલ અને હરેશદાન સૂરુ પોતાની પ્રસ્તુતિ આપશે. બીજા દિવસે રવિવારે સવારે 9:00 વાગ્યે દીપ પ્રાગટ્ય બાદ વિવિધ પ્રતિનિધિઓ, નવનિયુક્ત પ્રમુખો, મુખ્ય મહેમાનો તથા સંતો-મહંતોનું સન્માન કરવામાં આવશે તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ ઠરાવોની જાહેરાત કરાશે.
બહારગામથી પધારતા જ્ઞાતિજનો માટે કાર્યક્રમ સ્થળે જ રહેવા અને ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા દિવસે બપોરે 12:00 કલાકે મહાપ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન થશે.
આ ઐતિહાસિક મહાઅધિવેશનમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના બ્રહ્મ સમાજના ભાઈ-બહેનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મિલનભાઈ શુક્લ, પ્રમુખ પંકજભાઈ રાવલ અને રાજકોટ જિલ્લા ટીમ દ્વારા નમ્ર અપીલ અને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.