Homeગુજરાતમોરબીગુજરાતના પ્રાથમિક શિક્ષકો 27 જેટલી એપ-પોર્ટલના બોજથી ત્રાહિમામ

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો 27 જેટલી એપ-પોર્ટલના બોજથી ત્રાહિમામ

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સતત ઓનલાઈન કામગીરી : શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરી શાળાઓમાં કમ્પ્યુટર સહાયકની નિમણૂક કરવાની માંગ

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો 27 જેટલી એપ અને ઓનલાઈન પોર્ટલની કામગીરીથી ત્રાહિમામ

શિક્ષણના ભોગે ડેટા એન્ટ્રી, ફોટા અપલોડ અને બિનશૈક્ષણિક કામગીરીનો વધતો બોજ

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો પર દિવસેને દિવસે વધતી ઓનલાઈન કામગીરીનો બોજ હવે શિક્ષણની ગુણવત્તા સામે મોટો પ્રશ્ન બની રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે. શિક્ષકોનું કહેવું છે કે એટલી હદે ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે કે “ગણેશોત્સવ” લખ્યું હોય તો પણ “ગુણોત્સવ” વાંચાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે શિક્ષકોનો મોટો સમય વિવિધ એપ્લિકેશન અને પોર્ટલમાં માહિતી ભરવા, ફોટા અપલોડ કરવા, ડેટા એન્ટ્રી કરવા અને વારંવાર એક જ પ્રકારની માહિતી અલગ-અલગ જગ્યાએ અપલોડ કરવામાં પસાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક સર્વેમાં ગુજરાતના પરિણામો અંગે પણ શિક્ષણજગતમાં ચર્ચા ચાલી રહી છે. વર્ષ 1996થી 2017 સુધી યોજાયેલા વિવિધ શૈક્ષણિક સર્વેમાં ગુજરાતનું પ્રદર્શન સારું રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે, જ્યારે ત્યારબાદના વર્ષોમાં પરિણામોમાં ઘટાડો નોંધાયો હોવાની ચર્ચા છે. શિક્ષકોના સંગઠનો અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો આ પાછળ વધતી બિનશૈક્ષણિક અને ઓનલાઈન કામગીરીને એક મહત્વનું કારણ ગણાવી રહ્યા છે.

શિક્ષકોના જણાવ્યા મુજબ CTS પોર્ટલ પર વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં વિગતો અપલોડ અને અપડેટ કરવી પડે છે. ત્યારબાદ UDISE+માં પણ મોટાભાગે સમાન માહિતી ફરીથી ભરવાની કામગીરી આવે છે. બંને સિસ્ટમમાં એક જ પ્રકારની માહિતી હોવા છતાં અલગ-અલગ એન્ટ્રી કરાવાતી હોવાના કારણે શિક્ષકોનો સમય વ્યર્થ જતો હોવાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓના અપાર આઈડી, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિની દરખાસ્તો, SAS અને પ્રેશા પોર્ટલ પર પગાર બિલ સહિતની કામગીરી પણ શિક્ષકો માટે સમયખાઉ બની રહી છે. ખાસ કરીને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ માટે વારંવાર અનેક વિગતો અને નવા દસ્તાવેજોની માંગ થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત કર્મયોગી પોર્ટલ, SNA સ્પર્શ IMF પોર્ટલ, I GOT કર્મયોગી એપ, દીક્ષા પોર્ટલ, પ્રશસ્ત એપ, ખેલ મહાકુંભ માટેનું KMK પોર્ટલ, ઇનોવેશન ફેર, એક પેડ માં કે નામ, SHVR પોર્ટલ સહિતની વિવિધ ઓનલાઈન કામગીરી શિક્ષકોને કરવી પડે છે.

સ્વીફચેટ પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી તથા પરીક્ષાના માર્ક્સની એન્ટ્રી, નિપુણ ભારત અંતર્ગત વાચન-લેખન-ગણનના મૂલ્યાંકનની માહિતી, જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજોની ઓનલાઈન પ્રક્રિયા પણ શિક્ષકોના માથે છે.

ટીચર પોર્ટલ અને SAS પોર્ટલ પર શિક્ષકોની વ્યક્તિગત અને સેવા સંબંધિત માહિતી ઉપરાંત વિદ્યાર્થી અને શાળાની પ્રોફાઇલ પણ અપડેટ કરવાની રહે છે. ગુણોત્સવ માટે SQAAF પોર્ટલમાં મોટી સંખ્યામાં દસ્તાવેજો, માહિતી પત્રકો અને ફોટોગ્રાફ અપલોડ કરવાની કામગીરી રહે છે, જ્યારે PM SHRI શાળાઓ માટે અલગથી PMSHRI SQAAFની પ્રક્રિયા પણ કરવી પડે છે.

આ બધાની વચ્ચે શિક્ષકોને BLO તરીકે ચૂંટણી સંબંધિત કામગીરી, HLO એપ મારફતે વસ્તી ગણતરીની કામગીરી અને MDM એપમાં દરરોજ અલ્પાહાર તથા મધ્યાહન ભોજનની માહિતી અપલોડ કરવાની જવાબદારી પણ નિભાવવી પડે છે.

ખાસ કરીને SNA સ્પર્શ IMF પોર્ટલની પ્રક્રિયા અંગે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નાના ખર્ચના બિલ માટે પણ મેકર અને ચેકર એમ બે અલગ લોગિન, વેન્ડર રજિસ્ટ્રેશન, બેંક વિગતો, અલગ-અલગ હિસ્સાના બિલ, અનેક પ્રિન્ટ અને ઓફિસ સુધી દસ્તાવેજો પહોંચાડવાની લાંબી પ્રક્રિયા કરવી પડતી હોવાનું જણાવાયું છે.

શિક્ષકોનો આક્ષેપ છે કે માત્ર 500 રૂપિયાના બિલ માટે પણ અનેક ઓનલાઈન પ્રક્રિયાઓ અને મોટી સંખ્યામાં કાગળોની નકલો કાઢવી પડે છે. અગાઉ સરળ ગણાતી વ્યવસ્થાની જગ્યાએ વધુ જટિલ પ્રક્રિયા લાગુ થતાં શિક્ષકો અને આચાર્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિવિધ પોર્ટલમાં લોગિન માટે અલગ-અલગ પાસવર્ડ, સિક્યુરિટી પ્રક્રિયા અને કેપ્ચા ઉપરાંત સર્વર તથા ઈન્ટરનેટની સમસ્યાઓ પણ મોટી અડચણ બની રહી છે. પાંચ મિનિટમાં પૂર્ણ થઈ શકે તેવી કામગીરી ક્યારેક કલાકો સુધી ચાલતી હોવાની શિક્ષકોની ફરિયાદ છે.

શિક્ષકોનું કહેવું છે કે સતત ઓનલાઈન કામગીરીમાં વ્યસ્ત રહેવાના કારણે વિદ્યાર્થીઓને પૂરતો સમય આપી શકાતો નથી. ઘણી વખત શિક્ષકો વર્ગખંડમાં પણ જરૂરી ઓનલાઈન કામગીરી કરતા જોવા મળે છે, જેના કારણે વાલીઓને એવું લાગે છે કે શિક્ષકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે. જોકે હકીકતમાં તેઓ સરકારી કામગીરી પૂર્ણ કરી રહ્યા હોવાનું શિક્ષણજગત સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે.

એવી પણ રજૂઆત કરવામાં આવી રહી છે કે જો પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સાચો સુધારો લાવવો હોય તો શિક્ષકોને અઢળક ઓનલાઈન અને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. વિવિધ પોર્ટલની માહિતી એક જ સિસ્ટમમાં સંકલિત કરવામાં આવે અને શાળાઓમાં અલગ કમ્પ્યુટર સહાયક અથવા ડેટા એન્ટ્રી ઓપરેટરની નિમણૂક કરવામાં આવે તો શિક્ષકોનો કિંમતી સમય બચી શકે.

હાલની સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થયો છે કે શિક્ષકનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીને ભણાવવાનો છે કે પછી દિવસભર વિવિધ એપ અને પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરવાનો?

પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોને ઓનલાઈન કામગીરીના વધતા બોજમાંથી મુક્તિ આપવી હવે સમયની તાતી જરૂરિયાત બની રહી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular