મોરબી શહેરમાં આવેલ કંડલા બાયપાસ રોડ પર દેશી ડાયરો હોટલ પાસે ઉમા સ્ટીલ ફર્નીચરના શો રૂમ પાસે ટ્રક હટાવવાની બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી, ધમકી અને તોડફોડની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે નામજોગ અને ચાર અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ હાઈવે રોડ પર ધ્રુવ હોસ્પિટલ સામે સતકાર રેસીડેન્સી સરનામ હાઇટ્સ બ્લોક નંબર -૬૦૧ માં રહેતા ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા (ઉ.વ.૩૬) એ આરોપી રણજીતભાઈ જેસીંગભાઈ ચાવડા રહે. મીરા પાર્ક સોસાયટી શેરી નંબર -૦૨ વાવડી રોડ મોરબી તથા દીનેશભાઈ ગગુભાઈ મકવાણા રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી, ભક્તિનગર ઓવર બ્રીજ પાસે મોરબી તથા અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી રણજીતભાઈએ ફરીયાદીના શો-રૂમ પાસે રહેલ ટ્રકને દૂર લેવા બાબતે ફરીયાદીના ભાઇ સાથે જગડો કરી ફરીયાદીના ભાઇ ચિરાગ સાથે મારામારી કરી ધાકધમકી આપી બાદ આરોપીએ દીનેશભાઈ અને અજાણ્યા શખ્સોને ત્યા બોલાવતા આરોપી દિનેશભાઈએ પોતાની ફોર્ચ્યુનર કાર માથી ધોકો લઈ ફરીયાદીને માર મારવાની કોસીસ કરી બાદ તમામ આરોપીઓએ ફરિયાદીની માલીકીની મિલકતમા ફરીયાદીને વ્યથા કરવાના ઇરાદે ગુન્હાહીત અપપ્રવેશ કરી આરોપીઓએ ફરિયાદીની દુકાનમા રહેલ ડી.વી.આર તોડી નાખી નુકશાન કરી લુંટ ચલાવી પોતાની પાસે રહેલ ગ્રે કલરની નાની પિસ્તોલ જેવા ભયંકર હથિયાર વડે ફરિયાદીને બતાવી ભયમા મુકી ફરીયાદી તેમજ તેના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી દિનેશભાઈએ ફરીયાદીને ગાળાગાળી કરી તેનુ અપહરણ કરી લઈ જવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.