મોરબીના મકનસર નજીક ગેસ એજન્સી ધરાવતા વેપારીની કારમાંથી નજર ચૂકવી અજાણ્યો ચોર ઇસમ રૂ. ૬,૫૦,૦૦૦ની માતબર રોકડ રકમ તેમજ પરિવારજનોની બેંક પાસબુક, ચેકબુક અને રેશનકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો ભરેલી બેગ ચોરીને રફુચક્કર થઈ જતાં સળવળાટ મચી ગયો છે. આ મામલે મકનસરના વેપારીએ મોરબી તાલુકા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર રહેતા અને વેપાર કરતાં રાજેશભાઈ વીરજીભાઈ ફેફરે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની પોતાની માલીકીની ગ્રાન્ડ વીટારા કાર રજીસ્ટર નંબર -જીજ-૩૬ એ.એલ-૨૨૨૯ વાળીમાંથી છુપી રીતે ડ્રાઇવર શીટની બાજુમાં રાખેલ રૂપીયા ૬,૫૦,૦૦૦/- તથા અલગ અલગ બેંકની ચેકબુક, પાસબુક, તથા રેશનકાર્ડ વાળી ભેગની ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.