મોરબી: શહેરના ધરતી ટાવર સ્થિત ‘પટેલ બાબુલાલ કાંતિલાલ એન્ડ કું.’ આંગડીયા પેઢીમાં છેલ્લા ૧૫ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ રૂ. ૧,૦૮,૦૦,૦૦૦ (એક કરોડ આઠ લાખ) ની મોટી ઉચપત કરી છે. ૧૫ વર્ષના વિશ્વાસનો લાભ ઉઠાવી મેનેજરે આ રકમ પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ બોપલ ખાતે રહેતા અને આંગડીયા પેઢીમાં ભાગીદાર એવા પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલે આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી રોહીતભાઈ સુરેશભાઈ પટેલ રહે મહેસાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોરબી શાખામાં મેનેજર તરીકે કામ કરતા રોહીતભાઈ સુરેશભાઈ પટેલ નામના કર્મચારી પર પેઢીના તમામ વહીવટ અને આવક-જાવકનો હિસાબ રાખવાની જવાબદારી હતી. પેઢી તરફથી તેમને માસિક રૂ. ૧૦,૦૦૦ નો પગાર પણ ચૂકવવામાં આવતો હતો. જ્યારે રોહીતભાઈ આંગડીયા પેઢીનો કુલ રૂ. ૧.૦૮ કરોડનો હિસાબ આપ્યા વગર જ અચાનક સાંજના સમયે ઓફિસેથી નીકળી ગયા હતા.
ત્યારબાદ સહ-કર્મચારીએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો ફોન બંધ આવ્યો હતો. દોઢેક મહિના બાદ સંપર્ક થતાં તેઓ હિસાબ આપવાના બહાના બતાવી સમય પસાર કરતા હતા. અંતે કોઈ હિસાબ ન આપી છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા આંગડીયા પેઢીના માલિકે તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.