મોરબીમા રહેતા એક મજૂર પરિવારની ૧૬ વર્ષીય કિશોરી રાત્રિના સમયે અચાનક ગુમ થઈ જતાં પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં આખરે પિતાએ પુત્રીના ગુમ થવા અથવા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરાયા હોવાની શંકા સાથે મોરબી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વતની અને હાલ મોરબીમાં મજુરી કામ કરતા ફરીયાદી પોતાનું રોજિંદુ મજૂરી કામ પતાવીને પરિવાર રાત્રે જમી-પરવારીને સૂઈ ગયો હતો. દરમીયાન રાત્રિના સમયે પરિવારજનો જાગતા સગીરા તેની ઓરડીમાં મળી આવી નહોતી. ત્યારબાદ પરિવારજનો તથા આસપાસમાં રહેતા સંબંધીઓએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી.
લાપતા થયેલી સગીરાએ ગુમ થઈ તે સમયે લીલા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલો હતો. તે ઉજળા વાન ધરાવે છે અને તેની ઊંચાઈ આશરે ૪ ફૂટ જેટલી છે. સગીરા કોઈને કહ્યા વગર ચાલી ગઈ છે અથવા તો કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી -ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાની આશંકા સાથે પિતાએ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.