ફેક્ટરીના નકશા મંજૂર કરવા અને વિઝિટ દરમિયાન હેરાન ન કરવા બદલ લાંચની માંગણીનો આક્ષેપ
મોરબીમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના નાયબ નિયામક સહિત બે વ્યક્તિઓને રૂ.25 હજારની લાંચની રકમ સ્વીકારતા ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ACBની માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા (ઉ.વ.43), નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર ફોર ફેક્ટરીઝ, વર્ગ-1 અને અજયસિંહ નાથુભા ઝાલા (ઉ.વ.28), ડ્રાઇવરનો સમાવેશ થાય છે.
ફરિયાદી ફેક્ટરી એક્ટ એડવાઇઝર તરીકે કન્સલ્ટિંગનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ ફેક્ટરીમાં વિઝિટ કરી હેરાન-પરેશાન ન કરવા બદલ નાયબ નિયામક દ્વારા રૂ.25 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.
લાંચની રકમ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ મોરબી ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 5 ઓક્ટોબર, 2026ના રોજ મોરબીના લાલબાગ સેવાસદન ખાતે આવેલી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના કમ્પાઉન્ડના નીચેના ભાગે ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
છટકા દરમિયાન નાયબ નિયામક જતીનભાઈ આદેસરાએ ફરિયાદીને લાંચની રકમ બીજા આરોપી ડ્રાઇવર અજયસિંહ ઝાલાને આપવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પંચ સાક્ષીની હાજરીમાં ડ્રાઇવર અજયસિંહે અધિકારી વતી રૂ.25 હજારની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ACB દ્વારા બંને આરોપીઓ પાસેથી લાંચની સમગ્ર રૂ.25 હજારની રકમ પણ રિકવર કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીને પગલે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગમાં પણ ચકચાર મચી છે.
સમગ્ર ટ્રેપની કાર્યવાહી મોરબી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. દેકાવાડીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ACB રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ.પી. સોલંકી તેમજ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.