ટંકારા: મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાના ખીજડીયા ગામના એક વાડી માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેરનામા મુજબ વાડી કે ખેતરમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના આધાર પુરાવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના હોય છે, પરંતુ આ બાબતે બેદરકારી દાખવતા વાડી માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ નાના ખીજડીયાથી ઘુનડા (ખા.) જતા રસ્તે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખેતરની ઓરડીમાં રહીને ખેત મજુરી કરતા પ્રવિણભાઈ રમેશભાઈ બામણીયા (ઉં.વ. ૧૯, મૂળ રહે. એમ.પી.) નામના પરપ્રાંતીય મજૂરની પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે તે છેલ્લા ત્રણેક મહિનાથી જયંતીભાઈ પરસોતમભાઈ બારેયાની વાડીમાં પરિવાર સાથે કામ કરે છે.
વાડી માલિક જયંતીભાઈ બારેયા (ઉં.વ. ૫૩, રહે. નાના ખીજડીયા) ને પૂછપરછ કરતા તેમણે પરપ્રાંતીય મજૂરની કોઈ પણ જાણકારી ટંકારા પોલીસ સ્ટેશનમાં આપેલ ન હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન ન કરવા બદલ ટંકારા પોલીસે વાડી માલિક વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૧ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.