મોરબી તાલુકાના માનસર ગામ અને આસપાસના ગ્રામજનો માટે ગૌર ખીજડીયાના પાટીયાથી નારણકા સુધીનો માર્ગ હાલમાં ભારે હાલાકી અને અકસ્માતોનું કેન્દ્ર બની ગયો છે. બિસ્માર બની ગયેલા આ ડામર રોડના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો દરરોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કાર્યપાલક ઇજનેર (બાંધકામ શાખા, મોરબી) ને લેખિતમાં રજૂઆત કરી રોડનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, રોડની એકદમ બાજુમાં ગેસની લાઇન નાખવામાં આવી હતી પરંતુ ત્યાં યોગ્ય રીતે પેચ વર્ક (પૂરાણ) કરવામાં આવ્યું નથી, જેના કારણે વારંવાર વાહનો ફસાઈ જવાના બનાવો બને છે. આ ઉપરાંત, વનાળીયાથી માનસર વચ્ચે ખેડૂતો દ્વારા નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇનના કારણે મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓના કારણે બાઇક ચાલકો સ્લિપ થઈને પડી જવાના અને નાના-મોટા અકસ્માતો થવાના બનાવો રોજિંદા બન્યા છે.
ગામલોકોની આ સતત વધતી મુશ્કેલીઓને ઉકેલવા માટે માનસર ગ્રામ પંચાયતે કલેક્ટર કચેરી તથા જિલ્લા વિકાસ અધિકારી મોરબીને પણ આ પત્રની નકલ રવાના કરીને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે. ગ્રામજનોની એક જ માંગ છે કે તંત્ર દ્વારા કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં આ રોડનું સમારકામ અને નવેસરથી બનાવવાનું કામ વહેલી તકે ચાલુ કરવામાં આવે.