મોરબી: મોરબી તાલુકાના જોધપર ગામ નજીક આવેલી મહત્વપૂર્ણ મચ્છુ-૨ સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પાણીની વિપુલ આવક થતાં ડેમ પોતાની કુલ સંગ્રહશક્તિના ૭૦ ટકા જેટલો ભરાઈ ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમ સાઈટના સેક્શન ઓફિસર બી. સી. પનારા દ્વારા ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યે ડેમ માટે ‘હાઈ એલર્ટ’ મેસેજ જારી કરવામાં આવ્યો છે.
૩૨ ગામોને એલર્ટ: મોરબી તાલુકાના ૨૨ ગામો (જેમાં જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપર) તથા માળિયા તાલુકાના ૧૦ ગામો (વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા મી અને રાસંગપર) મળી કુલ ૩૨ ગામોના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા, પોતાના માલ-મિલકત તેમજ ઢોર-ઢાંકરને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા કડક સૂચના આપવામાં આવી છે.