Homeગુજરાતમોરબીજાંબુડિયામાં પારિવારિક ઝઘડાએ ધારણ કર્યું ખતરનાક સ્વરૂપ! બહેનના વાળ કાપ્યાનો ખાર, બનેવી...

જાંબુડિયામાં પારિવારિક ઝઘડાએ ધારણ કર્યું ખતરનાક સ્વરૂપ! બહેનના વાળ કાપ્યાનો ખાર, બનેવી પર સાળાઓનો હુમલો

બીમાર બહેનના વાળ પતિએ કાપી નાખ્યા હોવાનો રોષ, બે સાળાએ ઘરે ધસી આવી બનેવી સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ; ગુપ્તાંગના ભાગે ઈજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો

મોરબીના જાંબુડિયા ગામે પારિવારિક મામલે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીમારીના કારણે પત્ની જાતે નાહી શકતી ન હોવાથી પતિએ તેના વાળ કાપી નાખ્યા હતા. આ બાબતનો ખાર રાખી બે સાળાએ બનેવી સાથે ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલામાં 50 વર્ષીય આધેડને ગુપ્તાંગના ભાગે ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ જાંબુડિયા ગામે રહેતા બળદેવભાઈ જેન્તીભાઈ ઉધરેજા સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. દરમિયાન તેમના સાળા બાલા અને રતન ઘરે આવ્યા હતા અને બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન બળદેવભાઈને ઈજા પહોંચતા પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

બળદેવભાઈની પત્ની મજૂબેન બીમારીમાં સપડાયા બાદ તેઓ જાતે નાહી શકતા ન હોવાથી પતિએ તેમના વાળ કાપી નાખ્યા હતા. બહેનના વાળ કાપી નાખવામાં આવ્યા હોવાની બાબતથી નારાજ બંને સાળાએ બનેવી પર હુમલો કર્યો હોવાનો પ્રાથમિક આક્ષેપ સામે આવ્યો છે.

એટલું જ નહીં, હુમલા દરમિયાન તેમને ગુપ્તાંગના ભાગે કોઈ વસ્તુથી ઈજા પહોંચાડવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. હાલ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદ, મેડિકલ રિપોર્ટ અને તપાસમાં સામે આવતી હકીકતના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular